બુધવાર, 9 ઑક્ટોબર, 2013

મહેન્દ્ર ગૌતમ - એક નખશિખ બૌદ્ધ



જુનાગઢમાં બૌદ્ધ ધર્મ અંગીકાર સમારોહ થઈ રહ્યો છે ત્યારે વીતેલા યુગના એક નખશિખ બૌદ્ધ મહેન્દ્રજી ગૌતમને યાદ કરવા જેવા છે. 1960માં મહેન્દ્રજી ગૌતમ બૌદ્ધ ભિખ્ખુ સંઘરક્ષિતજીથી પ્રભાવિત થયા, બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો અને અમદાવાદની દલિતોની ચાલીઓમાં ફરીને બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો હતો. સંઘરક્ષિતજી અંગ્રેજીમાં બોલતા અને મહેન્દ્રજી તેમના પ્રેરક પ્રવચનોનું સરળ ગુજરાતીમાં ભાષાંતર કરતા હતા.

મહેન્દ્રજી તેમના યુગના અસાધારણ બૌદ્ધિક હતા. સ્ટેટ બેન્ક ઑફ ઇન્ડીયાના ઓફિસર્સ યુનિયનમાં તેમનો પડ્યો બોલ ઝીલાતો હતો. કર્મચારીઓના પ્રશ્નોમાં અંગત રસ લઇને એવું સુંદર ડ્રાફ્ટિંગ કરતા કે મેનેજમેન્ટને નીચે નામ વાંચ્યા વિના ખબર પડી જતી કે એ લખાણ મહેન્દ્ર ગૌતમનું છે. ડાબેરી ઝોક ધરાવતા મહેન્દ્રજીએ ‘ઇન્દુલાલ યાજ્ઞિક: એક સ્મરણિકા’ તૈયાર કરવામાં પણ મહત્વનું યોગદાન આપ્યું હતું. 

ડો. બાબાસાહેબ આંબેડકરના અમૂલ્ય વિચારવારસાને ગુજરાતીમાં લાવવાનું શ્રેય મહેન્દ્રજીને ફાળે જાય છે. તેમના મૃત્યુ પછી તેમના કુટુંબીજનોએ તેમણે બાબાસાહેબની પ્રસિદ્ધ કૃતિ Annihilation of Caste’ના કરેલા ગુજરાતી અનુવાદને પુસ્તકરૂપે વર્ષ 2003માં પ્રગટ કર્યો અને તેમને યોગ્ય શ્રદ્ધાંજલી આપી છે. રૂ. 40 કિંમતનું આ પુસ્તક 9, રંગદર્શન સોસાયટી, પંચશીલ સંકુલ, રાણીપ, અમદાવાદ-382480 (ફોન 27523477) ખાતે ઉપલબ્ધ છે. 

તા. 24-6-1936માં જન્મેલા મહેન્દ્રજીનું અવસાન તા. 15-2-2003માં થયું હતું.  

શનિવાર, 28 સપ્ટેમ્બર, 2013

મહાકુંભનો બગાડ





ભોપાલમાં મળેલા ભાજપના કાર્યકર્તા મહાકુંભ પછી 80 ગુણો ભરેલી પુરીઓ, 110 પીપડા ભરીને શાકભાજી અને ભાત રીતસર ફેંકી દેવામાં આવ્યા. એક અનુમાન પ્રમાણે આમાંથી ઓછામાં ઓછા 90,000 લોકોના પેટ ભરી શકાયા હોત. મહાકુંભમાં કાર્યકર્તાઓને ખાવા માટે જંબૂરી મેદાનમાં 80 સ્ટોલ્સ લગાવેલા હતા. આ તમામ સ્ટોલ્સની પાછળના ભાગે વધેલો ખોરાક નાંખી દીધો. કોઇને આ ખાવાનું ગરીબોની વસતીમાં વહેંચવાનું સૂઝ્યું નહીં. દૂધની ડેરીનો એક સંચાલક એના જાનવરો માટે ટેમ્પો ભરીને પૂરીઓ લઈ ગયો. ભાત અને શાકની દુર્ગંધથી માથુ ફાટી જતું હતું અને બેનરો પર ચીતરેલા કમળથી આ બદબૂ હટતી ન હતી.

ગુરુવાર, 8 ઑગસ્ટ, 2013

ધવડાવવાની કળા



અમદાવાદના રામાપીરના ટેકરા પર માનવ સાધના ટ્રસ્ટ નામની એનજીઓએ આંતરરાષ્ટ્રીય સ્તનપાન સપ્તાહની ઉજવણી કરી. ટ્રસ્ટે ટેકરા પર 'રેડીમેઇડ' દલિત-ગરીબ સ્ત્રીઓનું ઓડીયન્સ એકઠું કર્યું, શહેરના નામાંકિત બાળચિકિત્સકોને નોતર્યાં અને આ નિષ્ણાતોએ રોજનું શેર લાવીને શેર ખાતી અભણ પ્રજાને બાળક ધવડાવવાના ફાયદા સમજાવ્યા. જે સલાહ અમદાવાદના શ્રીમંત પરિવારોની, કૂતરાં પાળતી, ગાડીઓમાં ફરતી, બોડી ફીગર 'મેન્ટેન' કરવા માટે પોતાના બચ્ચાંઓને સેરેલેક ખવડાવતી સન્નારીઓને આપવાની હોય તે સલાહના ઢગલાં રામાપીરના ટેકરા પરની ગરીબ સ્ત્રીઓના માથે ખડકાયાં. 

ખરેખર તો ગરીબ પરિવારોની સ્ત્રીઓ પાસે તેમના વહાલાં બાળકોને આપવા માટે પોતાના ધાવણ સિવાય કશું જ નથી હોતું. એમને જરૂર છે સારા, આરોગ્યપ્રદ ખોરાકની. એમને જરૂર છે બિમારીઓ સામે રક્ષણ પૂરું પાડતા તબીબી વીમાની અને વિના મૂલ્યે, ઉત્તમ, તબીબી સારવારની. અને સૌથી વધારે તો એમને જરૂર છે આ રાજ્યમાં એવા મુખ્યમંત્રીની જે એક લોકાયુક્તની નિમણૂંક અટકાવવા રૂ. 45 કરોડ ન્યાયપાલિકાના ડસ્ટબિનમાં નાંખી દેવા થનગનતો ના હોય. રામાપીરના ટેકરાની મારી ગરીબ બહેનો આ રાજ્યના મુખ્યમંત્રી જેટલી આવડત તો ધરાવતી નથી જ કે જે વગર સ્તને, વગર ધાવણે દસ દસ વર્ષથી છ કરોડની પ્રજાને ધવડાવતો જ રહે, ધવડાવતો જ રહે.....  

શુક્રવાર, 17 મે, 2013

મનમોહન અને મોદી, ‘અમને કેદી ગણે તો ઘણું’



અમે ભૂખ્યા છે... તરસ્યા છીએ... બેકાર છીએ... બેઘર છીએ.
અમને ખબર નથી પડતી, કેમ સંજયદત્તને જેલમાં નથી જવું.
અમને ખબર નથી પડતી, કેમ તેના મિત્રો અને સગા-વ્હાલા દુખી છે.
સંજયદત્ત જેલમાં ગયાં ત્યારે ટીવી દ્વારા ખબર પડી કે,
જેલમાં બે હાથને કામ, સવારે ચ્હા-નાસ્તો, બે ટાઈમ જમવાનું મળે છે.
રહેવા માટેની સગવડ અને શરીર ઢાંકવા બે જોડી કપડાં પણ મળે છે.
સંજયદત્ત જેલમાં ગયાં ત્યારે ટીવી દ્વારા ખબર પડી કે,
જેલમાં પીવાનું પાણી અને નાહવાની સગવડ પણ છે.
અમે મહેનત કરવા તૈયાર છીએ છતાં,
ભૂખ્યા છીએ, તરસ્યા છીએ, બેકાર છીએ, બેઘર છીએ.
અમને જો જેલમાં રહેવા મળે તો,
ભૂખ, તરસ, બેકારી, રહેઠાણની સમસ્યાથી છૂટકારો મળે.
અમને જેલમાં પૂરો. અમને કેદી બનાવો.
અમારા જેવા તો કેટલાય છે, કદાચ સંખ્યા ઘણી મોટી છે. જેલ નાની પડે.
જેલ નાની પડે તો દેશને જ જેલ બનાઓ.
કે પછી જેલના કાયદા આખા દેશને લાગુ કરો.
જેથી નાગરીક તરીકે નહી તો કમસેક્મ કેદી તરીકે તો,
તમામ હાથોને કામ, પીવાનું પાણી, બે ટાઈમ જમવાનું અને રહેવાને છત તો મળે.

- રોહીત પ્રજાપતિ અને તૃપ્તિ શાહ તા. 17-5-2013